ચોટીલ ગામે ભારે પવન અને વરસાદનો કહેર, 9થી વધુ ખેડૂતોના મકાનોના નળીયા-પતરા ઉડી ગયા

ધરણીધર: ધરણીધર તાલુકાના ચોટીલ ગામમાં અચાનક ફૂંકાયેલા ભારે પવન અને અતિભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકસાન સર્જ્યું છે. કુદરતી આફતના કારણે ખેતરમાં આવેલા 9થી વધુ ખેડૂતોના મકાનોના નળીયા અને પતરા ઉડી જતાં અસરગ્રસ્ત પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

મળતી માહિતી અનુસાર, ભારે પવનના કારણે ખેતરોમાં આવેલા અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. મકાનોના નળીયા અને પતરા ઉડી જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. વરસાદ અને પવનની આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.

ઘટનાની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. ચોટીલના તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અહેવાલ પાઠવી નુકસાનગ્રસ્ત સ્થળનું નિરીક્ષણ કરી સરકારના નિયમો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય અને વળતર આપવા રજૂઆત કરવામાં આવી છે.

સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. હવે વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર સર્વે હાથ ધરી નુકસાનનું મૂલ્યાંકન કરીને યોગ્ય રાહત જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *