ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે બે કેબિનેટ મંત્રીઓ પાસેથી ખાતા પાછા લઇ લીધા છે. મહેસુલ વિભાગનો હવાલો રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી હવાલો લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોંપ્યો છે. તો પૂર્ણેશ મોદી પાસેથી લઈને ઉધોગ રાજ્ય મંત્રી જગદીશ પંચાલને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે. હર્ષ સંઘવીને રિવોર્ડ મળ્યો કે રાજેન્દ્ર ત્રિવેદીને પનિશમેન્ટ ? રાજેન્દ્ર ત્રિવેદી હાલની ભૂપેન્દ્ર પટેલ કેબિનેટના સૌથી સિનિયર મોસ્ટ મંત્રી ગણાય છે.
પૂર્ણેશ મોદીને ખાડા નડી ગયા કે કડક કામગીરી ?
સુરતના પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો છીનવી લેવાયો તે સરપ્રાઈઝિંગ છે. પૂર્ણેશ મોદી પોતાની બોલ્ડ કામગીરી માટે જાણીતા હતા અને કડકપણે પોતાના નિર્ણયોનો અમલ કરાવતા હતા. જો કે, તાજેતરના ચોમાસા દરમિયાન રાજ્યમાં ઠેર-ઠેર પડી ગયેલા ખાડાઓમાં પણ સરકારની ખાસ્સી ટીકા થઈ હતી. હવે આ ખાડાના નામે મોદી સામે કોઈ બીજો સ્કોર સેટલ કરી દેવાયો હોય તેવું પણ બની શકે છે.જમીનના સોદામાં કરોડોની ગેરરીતિની ચર્ચા વચ્ચે નિર્ણય રાજેન્દ્ર ત્રિવેદી પાસે અચાનક મહેસુલ વિભાગ છીનવી લેવાયો તેના કારણ પેટે રાજ્યમાં કેટલાક જમીનના શંકાસ્પદ વ્યવહારો હોવાનું ચર્ચાય છે, બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ખેડૂતોને લગતી કેટલીક જમીનોના શંકાસ્પદ વ્યવહારોમાં વ્યાપક ગેરરીતિ થયાનું ભાજપ મોવડીમંડળના ધ્યાને આવ્યું હતું. આમાં મોવડી મંડળે ભારોભાર નારાજગી દર્શાવવા સાથે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવાનો આદેશ આપ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
જગદીશ પંચાલ અને સંઘવીનું કેબિનેટમાં પ્રમોશન!
અમદાવાદના ધારાસભ્ય જગદીશ પંચાલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને તેમની સારી કામગીરીનો રિવોર્ડ મળ્યો અને કેબિનેટમાં પ્રમોશન મળ્યું તેવું પણ કહી શકાય. હર્ષ સંઘવી પાસે ભલે ગૃહ જેવું અગત્યનું મંત્રાલય હોય પરંતુ તે હતા તો રાજ્યકક્ષાના જ મંત્રી. હવે મહેસુલ જેવું મહત્ત્વનું મંત્રાલય તેમને મળ્યું એટલે સીધું કેબિનેટમાં પ્રમોશન મળ્યું એ પણ માની શકાય. જ્યારે જગદીશ પંચાલ સહકાર અને કુટિર ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી હતા, જેમની સારી કામગીરીને ધ્યાનમાં રાખીને રિવોર્ડ અપાયાનું મનાય છે.