કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી આ દરમિયાન સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી. ગ્રામીણ ભારત અંગે મહાત્મા ગાંધીના સપનાઓને સાકાર કરવા માટે દેશના શિક્ષિત યુવાનો સ્વવિકાસ સાથે દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી ગરીબોના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પાથરવાનું દાયિત્વ નિભાવે તેવું આહ્વાન તેમણે કર્યું છે. ગ્રામીણ વિકાસમાં કેન્દ્ર સરકારની ભૂમિકા આપતા ઉક્ત સંદર્ભમાં શાહે ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગ્રામ વિકાસ માટે સરકાર ત્રણ વિભાવનાના આધારે કામ કરી રહી છે. પ્રથમ તો વ્યક્તિગત્ત વિકાસ, બીજું ગામડાઓનો વિકાસ અને ત્રીજું વિસ્તારના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાકીય કામો કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (ઈરમા)ના ૪૧માં પદવીદાન સમારોહમાં ૨૫૧ વિદ્યાર્થીઓને રૂરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ (પીજીડીએમ) ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં પીજીડીએમ ( રૂરલ મેનેજમેન્ટ) ગ્રેજયુએટ અવિનીશ અરોરાને શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ કુચીભોતલા વાસંતી ગોલ્ડ મેડલ મંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
અમિત શાહે જણાવ્યું કે, પૂજ્ય મહાત્મા ગાંધી કહેતા કે દેશની આત્મા ગામડામાં વસે છે. હું તે વાતને દ્રઢપણે માની રહ્યો છું. ગામડાઓ સમૃદ્ધ, સુવિધાસભર અને સ્વાલંબી બનશે તો દેશ સમૃદ્ધ બનશે એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર થવા સાથે દેશનું અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા ગામડાઓનું યોગદાન અમૂલ્ય બની રહેશે.
સહકાર મંત્રી શાહે વ્યક્તિગત જીવન સ્તરના સુધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી યોજનાની જાણકારી આપતા કહ્યું કે, આઝાદીના દશકો બાદ ૬૦ કરોડ ગરીબોના બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા છે. મહિલાઓને પગભર બનાવવામાં આવી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાન કાર્ડ આપી આરોગ્ય કવચ પૂરૂ પાડવામાં આવ્યું છે. તમામ ઘરોનું વીજળીકરણ, શૌચાલયનું નિર્માણ ઉપરાંત નલ સે જલ, સ્વચ્છ ઇંધણ માટે ઉજ્જવલા યોજના હેઠળ રાંધણ ગેસ કનેક્શન અને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવી છે.ગામ્યસ્તરે ભૌતિક સુવિધાઓ ઉભી કરવામાંની વિગતો આપતા શાહે જણાવ્યું કે, પ્રધાન મંત્રી સડક યોજના હેઠળ ગામડાઓને તાલુકા મથક સુધી જોડવામાં આવ્યા છે. જેના પરિણામે ગામડાઓમાં આર્થિક ગતિને વેગ મળ્યો છે.