કેટલાક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ક્રોધ અને રોષના તોફાનો છુપાવી રાખે છે. ભલે તે ઉપરથી શાંત દેખાતા હોય પણ તેઓ અંદરથી હાયપર હોય છે અને આવી વ્યક્તિઓને હાયપરટેન્સન થવાનું જોખમ વધુ છે.હાયપરટેન્શન માટેની જાગૃતિ માટે 17મે વર્લ્ડ હાયપરટેન્શન ડે તરીકે મનાવવામાં આવે છે. કોરોના પછી ઘણા લોકોની માનસિકતામાં ઘણા પરિવર્તનો આવ્યા. જેમાં ચિંતા, ડીપ્રેશન, હતાશા, ડાયાબિટીસમાં પણ તેની અસર જોવા મળી. ખાસ કરીને બ્લડપ્રેશર એટલે કે હાયપરટેન્શનની અસરો પણ જોવા મળી. એ વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ દ્વારા 1161 લોકો પર સર્વે થયો જેમાં આશરે 51% લોકોએ સ્વીકાર્યું કે કોરોના પછી તેઓને હાયપરટેન્શનની સમસ્યાઓ અનુભવાય છે.
– આ સર્વેમાં નીચે મુજબની માહિતી મળી.
કોરોના પછી તમે વધારે ટેન્શન અનુભવો છો?
જેમાં 77.67% લોકોએ હા જણાવી.
શું કોરોના પછી સતત ભાર અને તાણ અનુભવો છો?
જેમાં 67.21% લોકોએ હા જણાવી.
શું કોરોના પછી ઘરમાં સમાયોજન સાધવામાં તમને ટેન્શન થાય છે?
જેમાં 54.56% લોકોએ હા જણાવી.
શું કોરોના પછી તમારા ઘરમાં ટેન્શનને કારણે ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે?
જેમાં 46.32% લોકોએ હા જણાવી.
શું કોરોના પછી તમને હાયપરટેન્શન રહેતું હોય એવું અનુભવાય છે?
જેમાં 51.45% લોકોએ હા જણાવી.
શું કોરોના પછી તમારા કુટુંબીજનો બિમાર પડે તો વધુ પડતી ચિંતા અનુભવો છો?
જેમાં 46% લોકોએ હા જણાવી.
શું કોરોના પછી તમે હાયપરટેન્શનની દવાઓ લેવાનું શરુ કર્યું છે?
જેમાં 49.56% લોકોએ હા જણાવી.
શું નાની નાની વાતમાં તમારા બ્લડપ્રેશરમાં વધારો ઘટાડો અનુભવો છો?
જેમાં 39.45% લોકોએ હા જણાવી.
– પ્રકારો.
પ્રાથમિક હાયપરટેન્શન: પ્રાથમિક હાયપરટેન્શન માટે કોઈ કારણ નથી પરંતુ અભ્યાસ દર્શાવે છે કે તે ધીમે ધીમે વિકસે છે અને જેમ ઉમર વધે હાયપરટેન્શન જોવા મળે છે સેકન્ડરી હાયપરટેન્શન: ગૌણ અથવા સેકન્ડરી હાયપરટેન્શન ઊંઘની પેટર્ન, કિડનીની સમસ્યાઓ, મૂત્રપિંડ પાસેની ગ્રંથિની ગાંઠો, થાઇરોઇડની સમસ્યાઓ, રક્ત વાહિનીઓમાં જન્મજાત ખામી, વધુ પડતી પેઇન કિલરનું સેવન, ઠંડા પીણાઓને કારણે થઈ શકે છે. કોકેઈન અને વધુ પડતા આલ્કોહોલનો ઉપયોગ ગૌણ હાયપરટેન્શનના કારણ બની રહે છે.
– તણાવ સહુથી અગત્યનું કારણ.
જ્યારે વ્યક્તિ તણાવમાં હોય છે , ત્યારે શરીર સ્ટ્રેસ હોર્મોન, કોર્ટિસોલ ઉત્પન્ન કરે છે, જે શરીરમાં હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે એટલું જ નહીં પરંતુ અસ્થાયી ધોરણે વ્યક્તિનું બ્લડ પ્રેશર અથવા ટેન્શન પણ વધારે છે. સમય જતાં, હાઈ બ્લડ પ્રેશર વ્યક્તિના હૃદયના ધબકારા વધારી શકે છે, જેથી હૃદયને ઝડપથી ધબકવું પડે છે અને હૃદય રોગનું જોખમ ઉભું થાય છે. આ ઉપરાંત, જો કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ ઊંચું હોય અથવા તેને હાઈપરકોલેસ્ટેરોલેમિયા કહેવાય, તો તે રક્તવાહિનીઓને સાંકડી થવાનું કારણ બની શકે છે.
– હાયપરટેન્શનના લક્ષણો.
સતત માથાનો દુખાવો,થાક અથવા મૂંઝવણ,નર્વસનેસ, છાતીમાં દુખાવો, પેશાબમાં લોહી, ઝાંખી દ્રષ્ટિ, હાંફ ચઢવી, બેચેની લાગવી, અચાનક પરસેવો વળવો વગેરે
– સૌથી વધુ હાયપરટેન્શન થવાની શક્યતાઓ કોને છે?
જેઓનું વધુ વજન છે,કોઈ લોહીનો સબંધી જેને હાઈ બ્લડપ્રેશર છે, વધુ મીઠું ખાવું એ હાયપરટેન્શનને નોતરે છે, પૂરતા પ્રમાણમાં ફળો અને શાકભાજી ન ખાવા , પૂરતી કસરત ન કરવી ,કેફીનયુક્ત પીણા પીવા , અનિયમિત જીવનશૈલી , ખોટી ચિંતા અને વારંવાર એકના એક વિચારો ,એકલતા અનુભવવી , સમાયોજન ન થવું ,વારંવાર બીમાર થવું , કોઈ ગંભીર બીમારી થવી અને તેના વિશેના વિચારો, તણાવ વગેરે
– નિવારણ અને સારવાર.
વજન પ્રમાણસર રાખવું , નિયમિત વ્યાયામ, તંદુરસ્ત આહાર લેવો , કેફીનયુક્ત અને ચરબી યુક્ત પીણાઓ ન લેવા , ધૂમ્રપાન બંધ કરવું, મીઠું અને કેફીન ઘટાડવું, માનસિક શાંત રહેવાના પ્રયત્નો કરવા , આનંદિત રહેવું , સારો સમય પસાર કરવો , ગમતી પ્રવૃતિ કરવી , યોગ્ય સમયે ડોક્ટરની મુલાકાત લેવી.