વાવ–થરાદમાં ચર્ચાનો વિષય: અધિકારીઓ પર દબાણ કરતો પત્રકાર કોણ?

વાવ–થરાદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી એક ચોંકાવનારી ચર્ચા જોર પકડી રહી છે. સામાજિક માધ્યમોમાં ગ્રુપ બનાવી તેમાં વિવિધ વિભાગોના અધિકારીઓને એડ કરી, તેમના પર દબાણ બનાવવાનો પ્રયાસ કરતો એક પત્રકાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આ વ્યક્તિએ વોટ્સએપ સોશિયલ પ્લેટફોર્મ પર ગ્રુપ બનાવ્યા છે, જેમાં પોલીસ વિભાગથી લઈને પંચાયત, આરોગ્ય અને અન્ય સરકારી વિભાગોના અધિકારીઓને જોડવામાં આવ્યા છે. આ ગ્રુપોમાં વારંવાર સંદેશાઓ, ફરિયાદો અને દબાણજનક ભાષાનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ પત્રકાર અધિકારીઓને આડા હાથે લેતા, ક્યારેક તેમના વિરુદ્ધ નકારાત્મક સમાચાર પ્રકાશિત કરવાની ધમકી આપીને ‘તોડપાણી’ જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ હોઈ શકે છે. જોકે, આ દબાણ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.

કેટલાક અધિકારીઓએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે આવા ગ્રુપોમાં સતત ટેગ અને મેસેજથી કામમાં અવરોધ ઊભો થાય છે અને માનસિક દબાણ સર્જાય છે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, તો યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચર્ચા ચાલી રહી છે.

જિલ્લાના જાગૃત નાગરિકોનો મત છે કે પત્રકારિતાનો મુખ્ય હેતુ સમાજને સાચી માહિતી આપવાનો છે, ન કે કોઈ પર દબાણ બનાવી અંગત લાભ મેળવવાનો. આવી પ્રવૃત્તિઓથી પત્રકારિતાની છબી પર પણ પ્રભાવ પડી શકે છે.હાલ, સમગ્ર મામલો તપાસનો વિષય બન્યો છે અને લોકોમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે — આ પત્રકાર છે કોણ?જો આગળ કોઈ સત્તાવાર કાર્યવાહી અથવા ખુલાસો થશે, તો સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *