વાવ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. દસ દિવસ અગાઉ બુકણા ગામે ખેતર માલિકની હત્યા થયેલી ઘટના હજુ ચર્ચામાં છે, ત્યાં જ આજ રોજ ચુવા ગામે ધોળા દિવસે વધુ એક હત્યા થઈ છે.

મળતી માહિતી મુજબ, મજૂરી કરીને જીવનનિર્વાહ ચલાવતા 35 વર્ષીય રમણભાઈ ભીખાજી ચાવડા પર ગામના ત્રણ યુવાનોએ હુમલો કર્યો હતો. તેમને ઘરમાંથી બહાર ખેંચી જાહેર ચોકમાં લાકડીઓ વડે પ્રહાર કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલ પીડિતને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
જાહેરમાં થયેલી આ હત્યાની ઘટના બાદ ગામમાં ભયનું વાતાવરણ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટના સ્થળ નજીકના CCTV ફૂટેજની તપાસ અને સાક્ષીઓના નિવેદનો અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યા છે. પોલીસએ આરોપીઓને ઝડપવા માટે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા છે. હાલ મૃતકનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે અને ત્યારબાદ એફ.આઈ.આર. દાખલ થશે.
ટૂંકા ગાળામાં થયેલી બે હત્યાઓને કારણે વાવ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.