થરાદ નર્મદા કેનાલ આપઘાત કેસમાં મોટો વળાંક: સીસીટીવી ફૂટેજ વાયરલ, બે આરોપીઓ સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ

વાવ થરાદ | ધ્રુપલ કલાલ (જયસ્વાલ)

વાવ–થરાદ જિલ્લાના થરાદ શહેરમાં નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવી એક યુવકે આપઘાત કર્યો હોવાની ગંભીર અને ચકચારજનક ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં મામલાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે,

જેમાં યુવક એક્ટિવા પર કેનાલ નજીક આવે છે, થોડો સમય ત્યાં ઊભો રહી વિચિત્ર રીતે વર્તન કરે છે અને ત્યારબાદ અચાનક દોડ મૂકી નર્મદા કેનાલની રેલિંગ કૂદીને નહેરમાં ઝંપલાવી દે છે.પ્રાપ્ત વિગતો મુજબ, કેનાલમાં ઝંપલાવનાર યુવકનો મૃતદેહ ત્રણ દિવસની સતત શોધખોળ બાદ રવિવારે વહેલી સવારે લુણાલ પુલ નજીકથી મળી આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે લાશને બહાર કાઢી થરાદ પોલીસને સોંપી હતી.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ થરાદના ઠાકોર સમાજના કિરણ તરીકે કરવામાં આવી છે. કિરણ ગુમ થયાની ફરિયાદ અગાઉ પરિવાર દ્વારા થરાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. મૃતદેહ મળ્યા બાદ પરિવારજનો અને સમાજના આગેવાનો ન્યાયની માંગ સાથે વાવ–થરાદ જિલ્લા એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠાવી હતી.

મારામારીના આક્ષેપો કરાયા

આ ઘટનાના પ્રત્યક્ષદર્શી લાલાભાઈએ પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેઓ કિરણને ઘરે મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન નર્મદા કેનાલના પુલ નજીક પહોંચતાં કિરણ અચાનક એક્ટિવામાંથી ઉતરી કેનાલ તરફ દોડ્યો હતો. “હું પાછળ દોડ્યો હતો, પરંતુ તેણે મારી કોઈ વાત સાંભળી નહીં અને સીધો કેનાલમાં કૂદી પડ્યો,” એમ લાલાભાઈએ જણાવ્યું. તેમણે કિરણ સાથે અગાઉ મારામારી અને હેરાનગતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે.આ સમગ્ર મામલે હવે પોલીસ કાર્યવાહી તેજ બની છે.

પોલીસે 2 લોકો સામે મરવા પર મજબૂર કરવા સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો

થરાદ પોલીસે ભરત દવે મેસરાવાળા અને મોન્ટુ મહારાજ થરાદ વાળા સામે યુવકને આત્મહત્યા માટે મજબૂર કરવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદન અને અન્ય પુરાવાઓના આધારે દરેક પાસેથી તપાસ હાથ ધરવામાં આવી છે.હાલ સમગ્ર થરાદ પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે અને ઠાકોર સમાજના લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *