વાવ થરાદ જિલ્લાના થરાદ–લાખણી હાઇવે પર રવિવારે બપોરે રાયડો ભરેલી ટ્રક પલટી ખાતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી અને ટ્રકનો ડ્રાઈવર આબાદ બચી ગયો હતો. અકસ્માત જેતડા નજીક બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ હાઇવે પર રોડ નિર્માણ કાર્ય લાંબા સમયથી ધીમું ચાલી રહ્યું હોવાથી માર્ગ પર ખાડા, કાંકરી અને ધૂળના ઢગલા સર્જાયા છે. આવા જોખમી રસ્તા વચ્ચે ટ્રક પસાર થતી વખતે ડ્રાઈવરનું સ્ટિયરિંગ ઉપરથી નિયંત્રણ છૂટતા ટ્રક પલટી ગઈ હતી.

અકસાન્ત પછી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. ટ્રકમાં ભરેલો રાયડો રસ્તા પર ફેલાઈ જતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે માર્ગ કામમાં તંત્રની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. અધૂરા રોડ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ના હોવાને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અનેક રજૂઆતો છતાં યોગ્ય પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોની માંગ છે કે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જોખમી સ્થળોએ ચેતવણી બોર્ડ મૂકવામાં આવે અને ધૂળ નિયંત્રણ માટે નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે. નહીં તો આવનારા સમયમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.