
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા એશિયા કપ તીરંદાજી ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને એક રજત અને એક કાંસ્ય ચંદ્રક અપાવ્યા છે.
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાંથી આવતી 18 વર્ષીય તેજલે મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. કાંસ્ય માટેની મુકાબલામાં તેણે AINની મારિયા દિમિદ્યુકને 144-138થી હરાવીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું.

તે ઉપરાંત, ટીમ ઈવેન્ટમાં પણ તેજલે ઉત્તમ પ્રદર્શન કર્યું. ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમમાં રાજ કૌર અને ચિકિતા તાનીપાર્થી સાથે રમતી તેજલે ટીમને રજત ચંદ્રક અપાવ્યો. જોકે, ફાઇનલ મુકાબલામાં ભારત કઝાકિસ્તાન સામે 227-229ના નજીકના અંતરથી હારી ગયું અને સોનેરી ચંદ્રકથી વંચિત રહ્યું.
બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં તેજલનું પ્રદર્શન ભારત માટે ગૌરવપૂર્ણ રહ્યું છે. ઓછી ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે આવું સિદ્ધિ હાંસલ કરવાથી ભવિષ્યમાં તે વધુ મોટી સફળતાઓ મેળવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.