
થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના લાંબા સમયથી ચાલુ રહેલા સીપેજ અને છેલ્લા કેટલાંક દિવસોથી પડેલા ભારે વરસાદે મળીને ગંભીર સ્થિતિ ઊભી કરી છે.
સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે 2015થી 2017 વચ્ચે બનેલા નર્મદા કેનાલમાંથી સતત પાણી લીક થાય છે, જેના કારણે જમીનની તલ સપાટીમાં નબળાઈ આવી છે. આ સમસ્યા પર કોઈ કાયમી નિરાકરણ ન મળતાં છેલ્લા દસ વર્ષથી ગામનો મોટો ભાગ – આશરે 200 હેક્ટર ખેતીલાયક જમીન – છ મહિના સુધી પાણીમાં ડૂબી રહે છે.
આ વર્ષે વધુ વરસાદ પડતાં હાલત અત્યંત વિકટ બની છે. ગામમાં આવેલો ગામતળ અને આજુબાજુનો સિમતળ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર થયો છે. આવવા-જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે, અને લગભગ 3000 વસ્તી તેમજ તેમના પશુધન પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે. ગામની ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયું છે.

કાયદેસર યોજના પણ અધૂરી રહી
ગ્રામજનોએ ગ્રામપંચાયત સરપંચની આગેવાનીમાં ધારાસભ્ય કાર્યાલય અને મામલતદારને રજૂઆત કરી છે. તેમનો આક્ષેપ છે કે સાડા 13 કરોડના ખર્ચે મંજૂર થયેલ નર્મદા કેનાલના પાણી નિકાલની યોજના પણ કોન્ટ્રાક્ટર તરફથી બેદરકારીના કારણે અધૂરી રહી ગઈ છે.
કાયમી સમાધાનની માંગ
નાગલા ગામના વસ્તીનું કહેવું છે કે જો કાયમી ધોરણે પાણી નિકાલની સબળ વ્યવસ્થા ઊભી થાય તો આવનારા વર્ષોમાં આવી દુર્દશા થવાની સ્થિતિ ટાળી શકાય. આવાં જ પ્રકારની સમસ્યાનો સામનો કરનાર બાજુના ડોડગામમાં પાણી નિકાલની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ નાગલામાં હજુ સુધી કામ અધૂરું છે.
સ્થાનિક લોકોની માગણી છે કે સરદાર સરોવર નર્મદા નિગમ, સિંચાઈ વિભાગ અને સંબંધિત સરકારી વિભાગોની ટીમો સ્થળ પર આવી તાત્કાલિક કામગીરી શરૂ કરે અને પીડિત ખેડૂતોને રાહત આપે.