ભાભર તાલુકાના મોતીસરી ગામમાં ગોગા મહારાજના મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટના અંજામ આપી હતી. ગામ લોકોના જણાવ્યા મુજબ, તા. 18 ઓગસ્ટની રાત્રે અજાણ્યા શખ્સોએ મંદિરના દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મંદિરમાં રહેલી ગોગા મહારાજની બે મોટી તથા છ નાની ચાંદીની મૂર્તિઓ, નાના-મોટા 20 ચાંદીના છતર (કુલ આશરે 4 કિલો ચાંદી, કિંમત રૂ. 1,75,000) અને એક સોનાનું છતર (કિંમત રૂ. 15,000) મળી કુલ રૂ. 1,90,000 નો મુદ્દામાલ ચોરી કરી લીધો હતો.

આ અંગે મોતીસરી ગામના રામાજી વાલાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 19 ઓગસ્ટે ફરિયાદ નોંધી પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિતની ટીમોને તાત્કાલિક તપાસ માટે ઘટનાસ્થળે બોલાવી હતી. હાલમાં પોલીસ તસ્કરોની શોધખોળ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં ભાભર તાલુકાના ખારા અને કુવાળા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરોમાં પણ ચોરીના બનાવો બન્યા હતા. હવે ફરી મોતીસરી ગામમાં ચોરી થવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.