ગુજરાતમાં હવામાન વિભાગે માછીમારો માટે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે માછીમારોને 22 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે. જેમાં આગામી 3 દિવસ દરમિયાન જખૌ, માંડવી, મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, જામનગર સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે કચ્છમાં આગામી 21 અને 22 જાન્યુઆરી વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. તાપમાનમાં ત્રણ ડીગ્રી જેટલો વધારો થતા ઠંડીનું જોર ઘટશે. જોકે પવન રહેવાને કારણે થોડી ઠંડી અનુભવાશે. એક સપ્તાહ બાદ ઠંડીમાં ઘટાડો થશે.