માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયક શબ્દોમાં “યોગ માત્ર કોઇ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે” “યોગ આપણા સમાજમાં, રાષ્ટ્રમાં, દુનિયામાં શાંતિ લાવે છે “ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતના વૈવિધ્ય અને ભારતના વિસ્તરણને એક તાતણે બાંધવા જેવો છે” “યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”
“આજે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને ચરિતાર્થ કરવાનો સમય છે” આપણે જ્યારે યોગમય જીવવાનું શરૂ કરીએ છીએ ત્યારે યોગ દિવસ આપણા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણીનું માધ્યમ બની જાય છે યોગ પરંપરાની અમૂલ્ય ધરોહરને આગળ ધપાવવા સમગ્ર દેશમાં વિવિધ બિન સરકારી સંગઠનો દ્વારા પણ યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કચેરી પાલનપુર દ્વારા સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર ખાતે યોજાયેલા સામૂહિક યોગ પ્રદર્શન માટે “ઇન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન અને આઉટરીચ પ્રોગ્રામ“ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગના બહોળા પ્રચાર પ્રસાર માટે આયોજિત આ બે દિવસની કાર્યક્રમમાં વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સિદ્ધપુર ખાતેની નગરપાલિકાની શાળા નં. ૪ અને શ્રી ગોપાલકૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલયમાં યોગ નિદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કળામાં પારંગત પ્રતિભાવાન વિધાર્થીઓને કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે યોજાયેલ કાર્યક્રમ યોગની જાણકારી ઉપરાંત દેશના નાગરિકોને ઐતિહાસિક તેમજ પૌરાણિક સ્થળો ની ઓળખ આપવાનો ઉદ્દેશ્ય પણ સાર્થક કરવાનો હતો.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો એ વિવિધ યોગાસનો દ્વારા યોગ નિદર્શન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ શહેરની જાહેર જનતાએ આ કાર્યક્રમ માં ભાગીદારી નોંધાવી હતી. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક શ્રી ચેતન જી ઠાકોર, સુરેશ રાઠોડ, રાષ્ટ્રીય કક્ષાએ યોગ નિદર્શનમાં નામના મેળવેલ લાલસંગજી ઠાકોર, વાસ્તુજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યોગકળાની જાણકારી આપી હતી. યોગ જાણકાર ડો.શિવશંકર જોશીના વિશેષ સહયોગ સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રીય કચેરી પાલનપુરના ઝોનલ અધિકારી શ્રી જે.ડી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતુ.