પાલનપુર :બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં રવિવારે વૃધ્ધનું કોરોનાથી મોત નિપજ્યું હતુ. જ્યારે જિલ્લામાં વધુ 52 કેસ પોઝિટિવ આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન – પ્રતિદિન વધી રહ્યુ઼ છે. પાલનપુર, ડીસામાં પુન: સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા હોઇ પ્રજાજનોમાં ફફડાટ પ્રસરી ગયો છે. આવી સ્થિતિ વચ્ચે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં રવિવારે કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજ્યુ હતુ.
આ અંગે પાલનપુર સિવિલ સર્જન ડો. ભરત મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, પાલનપુરના 72 વર્ષિય વૃધ્ધનું કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જ્યારે બનાસકાંઠામાં વધુ 52 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનિષ ફેન્સીએ જણાવ્યું હતુ કે, પાલનપુરની બનાસ મેડીકલ કોલેજમાં લેવાયેલા 37 આરટીપીસીઆર સેમ્પલ પૈકી 23 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ડીસાની ગાંધીલીંકન હોસ્પિટલમાં 118 રિપોર્ટ પૈકી 08, ખાનગી સંકલ્પ લેબોરેટરીમાં 36 સેમ્પલ પૈકી 13 અને આદર્શ લેબોરેટરીમાં 11 સેમ્પલ પૈકી 05 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. કુલ 890 સેમ્પલમાં 52 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.