
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ગુજરાત
સમગ્ર રાજ્યમાં ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, એક બાજુ વરસાદ નથી તો બીજું બાજુ દુષ્કાળ ના એંધાણ સર્જાઈ રહ્યા છે ત્યારે મહેસાણા જીલ્લાના ઐઠોર નજીક ૨૦ લાખની લૂંટની ઘટના સામે આવતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ જીરા અને કમિશન એજન્સીના વ્યવસાય સાથે સંકળાયેલા રમેશભાઈ ચૌધરી ગાંધીનગરના સરગાસણમાં રહે છે. આજે સવારના સમયે ગાંધીનગરથી કાર લઈ બનાસકાંઠા જવા માટે ૨૦ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા. જ્યાં અડાલજ ચોકડી પાસે પહોંચતા ત્રણ જેટલા ઈસમો પાલનપુર જવાનું કહી લિફ્ટ માગી હતી. જ્યાં ઇસમોને કારમાં બેસાડ્યા બાદ મહેસાણાના ફતેપુરા પાસે પહોંચતા જ એક વ્યકિતએ ઉલટી થતી હોવાનું કહી ગાડી રોકાવી હતી. વેપારીએ ગાડી ઉભી રાખતા જ લૂંટારૂઓએ વેપારીને રિવોલ્વર બતાવી બંધક બનાવી લીધો હતો. વેપારીના હાથ બાંધી પાછલની સીટમાં બંધક બનાવી લેવાયો હતો.સૂત્રો ના જણાવ્યા મુજબ લૂંટારૂઓએ વેપારીને બંધક બનાવી કારને ઐઠોર GIDC તરફ લઈ ગયા બાદ વેપારીનું પાકિટ કાઢી લીધું હતું. જે બાદમાં કારની ડેકીમાં તપાસ કરતા તેમાં ૨૦ લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો મળતા જ લૂંટારૂઓ વેપારીને ત્યાં ઉતારી મુકી રોકડ રકમ અને ગાડી લઈ ફરાર થઈ ગયા હતા. જે બાદમાં ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ તરફ ઘટનાની તપાસ માટે પોલીસે એફએસએલની પણ મદદ લીધી હોવાનું સામે આવ્યુ છે.