બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીશ્રીઓની સેજામાં ગેરહાજરી બાબતે મળતી ફરિયાદો અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરી સૂચના આપવામાં આવી છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીશ્રીનું નામ- કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ તલાટી હાજર મળશે તે જણાવવામાં આવેલ છે તેમ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ મીડિયાને મુલાકાત આપતાં જણાવ્યું છે.
વધુ માં તેમણે કહ્યું કે, પંચાયત સેવાનો લાભ લોકોને સરળતાથી મળી શકે તે માટે ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ ઉપર ગામના લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટીના નામ અને સંપર્ક નંબર લખવામાં આવશે. આ નોટીસ બોર્ડમાં તલાટી કમ મંત્રીશ્રી આ નક્કી કરેલ દિવસે ગેરહાજર હોય તો વિસ્તરણ અધિકારીશ્રી (પંચાયત) નો સંપર્ક નંબર પણ આપવામાં આવેલ છે જેના ઉ૫૨ તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે ટેલિફોનીક જાણ કરી શકાશે. તલાટી કમ મંત્રીશ્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરી આ અંગે કરેલ કાર્યવાહીની વિગતો રજીસ્ટ૨માં નોંધવા અને આવી મળેલ ફરિયાદોની વિગત દર માસની ૫ મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે તેની સમીક્ષા કરવામાં આવશે.