
ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.
ફોર્ટિસે કહ્યું, “ક્રિકેટર કપિલ દેવને 23 ઓક્ટોબરની રાત્રે 1 વાગ્યે ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટ (ઓખલા રોડ) લાવવામાં આવ્યા. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. તપાસ પછી રાત્રે જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.”
ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.
1983માં વર્લ્ડ કપ ભારત ને અપાવ્યો હતો
પૂર્વ લેજન્ડ ઓલરાઉન્ડર કપિલની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પહેલી વખત વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલે 131 ટેસ્ટમાં 5,248 રન અને 225 વનડેમાં 3,783 રન બનાવ્યા છે. તેમણે ટેસ્ટમાં 343 અને વનડેમાં 253 વિકેટ પણ પોતાના નામે કરી છે.