જાહેર આરોગ્યની સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામે આવેલી એક પેઢીમાં નકલી ઘી બનાવવાનો ભંડાફોડ થયો છે. અધિકારીઓએ સ્થળ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે.

વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ઇ.એસ. પટેલની ટીમે 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ગુડલક એસ્ટેટ, પ્લોટ નં. 5900 ખાતે આવેલી મે. ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની એકમમાં અચાનક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક રીતે બહાર આવ્યું કે પેઢીના સંચાલક અલમદારઅલી અબ્બાસઅલી સુણસરા કોઈપણ માન્ય લાઇસન્સ કે પરવાનગી વિના ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા.
તપાસ દરમિયાન અધિકારીઓએ નોંધ્યું કે સ્થળ પર કલર, એસેન્સ, સોયાબીન તેલ, પામોલીન તેલ અને વનસ્પતિ જેવા ઘટકોના ઉપયોગથી મોટા પાયે ઘી બનાવવામાં આવતું હતું. પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં ‘જૈનમ’ બ્રાન્ડના નામે 1 લિટર પેકિંગવાળું ઘી તેમજ ખુલ્લું ઘી મળી આવ્યું. ઉપરાંત ભેળસેળ માટે વપરાતા રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલીન, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને કૃત્રિમ સુગંધ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે આ એકમમાં ‘જૈનમ’ બ્રાન્ડ હેઠળ ગાય અને ભેંસનું ઘી બનાવી અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતું હતું. નિયમ મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 8 નમૂનાઓ લઈ તેને સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
કાર્યવાહી દરમિયાન આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 3,67,986 ગણાય છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસના અહેવાલના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે.