વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ

આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ ચાલુ કરવા જતા એક જ પરિવારના ત્રણ સભ્યો વીજ કરંટનો ભોગ બની મૃત્યુ પામ્યા, જેના કારણે સમગ્ર ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગામના રહેવાસી મકવાણા પથુભાઈ જેઠાભાઈ (ઉંમર અંદાજિત 45 વર્ષ) સવારે લગભગ 7 વાગ્યે ખેતરમાં બોર પંપ ચાલુ કરવા ગયા હતા. એ સમયે અચાનક તેમને વીજ કરંટ લાગ્યો અને તેઓ જમીન પર પડી ગયા. પુત્રને પડેલા જોયા બાદ તેમના પિતા જેઠાભાઈ ભાવાભાઈ મકવાણા (65 વર્ષ) દોડી આવ્યા અને પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને પણ કરંટ લાગતાં તેઓ પણ ઢળી પડ્યા.

ઘટના જોઈ માતા રખુબેન જેઠાભાઈ મકવાણા (62 વર્ષ) પણ તરત જ સ્થળ પર પહોંચી ગયા. દુરભાગ્યવશ તેઓ પણ વીજ કરંટની ઝપેટમાં આવી મોતને ભેટ્યા હતા.

આ ઘટનાની જાણ પરિવારના નાના દીકરાએ ચા આપવા ખેતરમાં જતાં કરી હતી. તેણે ત્રણેયને જમીન પર નિર્જીવ હાલતમાં જોયા બાદ તરત જ ગામલોકોને જાણ કરી. ગ્રામજનો દોડી આવ્યા અને વીજ પુરવઠો બંધ કરીને મૃતદેહોને બોર પંપના ડી.પી.માંથી નીચે ઉતારી નજીકની વાવ રેફરલ હોસ્પિટલ લઇ ગયાં, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ દુર્ઘટક બનાવે સમગ્ર ધરાધરા ગામમાં અને આસપાસના વિસ્તારોમાં આઘાત અને દુઃખની લાગણી ફેલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *