ચૂડમેરમાં સત્તાનો દુરુપયોગ? : 15 એકર ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, ડેપ્યુટી સરપંચના પતિએ ધમકીઓ આપ્યાનો આરોપ

વાવ થરાદ :ધ્રુપલ જયસ્વાલ (કલાલ)

ચૂડમેર ગામમાં ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણનો મુદ્દો હવે જાહેર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગામના સર્વે નં. 22, 22 પૈકી-1 તથા 22 પૈકી-3ની ગૌચર જમીન પર વોર્ડ નં. 8 ના સભ્ય અને હાલના મહિલા ડેપ્યુટી સરપંચ દ્વારા આશરે 15 એકરથી વધુ જમીન પર ગેરકાયદેસર કબજો કરી ખેતી તથા બાંધકામ કરાતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

ગ્રામજનોને ધમકીઓ આપ્યાનો આરોપ

ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યારે ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવા અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે ડેપ્યુટી સરપંચના પતિ દ્વારા રાજકીય લાગવગ દર્શાવી ‘હું રાજકીય આગેવાન છું, કોઈ મારું કશું કરી શકશે નહીં’ જેવી ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હતી. આથી ગ્રામજનોમાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે.

કલેક્ટરના હુકમ છતાં અમલ શૂન્ય

મહત્વપૂર્ણ છે કે આ મામલે અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમ છતાં આજદિન સુધી હુકમનો અમલ ન થતાં તંત્રની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે સત્તાના દુરુપયોગના કારણે કાર્યવાહી આગળ વધી રહી નથી.

કલમ-57 હેઠળ કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ

હાલ ગ્રામજનો દ્વારા મહિલા ડેપ્યુટી સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ-57 હેઠળ કાયમી હોદા પરથી દૂર કરવાની સાથે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો મામલો ઉગ્ર બનવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *