બનાસકાંઠામાં રેડ એલર્ટ પછી ધોધમાર વરસાદ: ધાનેરા છ ઈંચ પાણીમાં ગરકાવ, રેલ નદી બે કાંઠે વહેતી

ધાનેરા : રાજુભાઈ જોષી

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટે જાહેર કરવામાં આવેલા આગાહીમાં 3 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહી મુજબ 2 જુલાઈની રાત્રે 2 વાગ્યે જ હવામાન સિસ્ટમ સક્રિય થઈ ગઈ, વીજળીની કડાકાભડાક અને ગર્જન સાથે વરસાદ શરૂ થયો.

ધાનેરામાં રોડ રસ્તા પર પાણી ફરી વળ્યું :

આ ભારે વરસાદ સતત ચાલતા 3 જુલાઈના સવારે 10:30 વાગ્યા સુધી ધાનેરા તાલુકામાં આશરે 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને કારણે ધાનેરા શહેરના મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. હાઇવે, રાજમંદીર ટોકીઝ, બજાર વિસ્તાર, તેમજ કચેરીઓની આસપાસ પાણી ભરાવાથી વાહનવ્યવહારને ઝટકો લાગ્યો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

તાલુકાના અનેક ગામડાઓમાં પાણી ભરાવાની સાથે રવિયાવહોળો પણ ચાલુ થયો હતો. વરસાદ એટલો ભારે રહ્યો કે, કેટલાક ગામડાના માર્ગો અને સંપર્ક તૂટી જવા પામ્યા હતા. ઉપરવાસમાં પણ તીવ્ર વરસાદ પડતાં ધાનેરાની રેલ નદીમાં પાણીના વળાણા વધીને નદી બે કાંઠે વહેવા લાગી.

નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળતાં લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા. નદીના દ્રશ્યો જોઈને કેટલાક વડીલોએ 2015 અને 2017માં આવેલા પુરની યાદ તાજી કરી. ગામના લોકો તથા સરપંચશ્રીએ પણ નદીના વધામણા કરતા કહ્યું કે, “નદીમાં પાણી આવતા જમીન ભીની થશે અને ખેડૂતોના પાકને સારૂ પોષણ મળશે.”

આ સ્થિતિને ધ્યાને લઈને નાયબ કલેકટર તથા જિલ્લા કલેકટર સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું અવલોકન કર્યું, અને જરૂરી તકેદારી તથા રાહત વ્યવસ્થા શરૂ કરવાનું સુનિશ્ચિત કર્યું.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હવામાન અસ્થીર રહેવાની શકયતા દર્શાવી છે અને તળાવ-નદી નજીક રહેનારા લોકોને સતર્ક રહેવા અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *