બનાસકાંઠા રેન્જને પ્રથમ આઈજી મળ્યા: પરીક્ષિતા રાઠોડે સંભાળ્યો ચાર્જ

બનાસકાંઠા: રાજ્યના પોલીસ તંત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ ફેરફારોના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર પોલીસ રેન્જ રચાઈ છે અને આ રેન્જના પ્રથમ આઈજી તરીકે પરીક્ષિતા રાઠોડે ચાર્જ સંભાળ્યો છે. જિલ્લાના વિભાજન બાદ પ્રથમ વખત બનાસકાંઠાને અલગ પોલીસ રેન્જ મળતાં પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે.

નવી રચાયેલી બનાસકાંઠા પોલીસ રેન્જમાં પાટણ, વાવ-થરાદ અને બનાસકાંઠા ત્રણ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય જિલ્લાઓમાં ખાસ કરીને સરહદી વિસ્તાર આવેલા હોવાથી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાના દૃષ્ટિકોણે આ રેન્જ મહત્વપૂર્ણ ગણાય છે.

નવ નિયુક્ત રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અગાઉ ગાંધીનગર સ્થિત સી.આઈ.ડી. ક્રાઇમ વિભાગમાં આઈ.જી.પી. તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની પ્રશાસનિક ક્ષમતા અને અનુભવોને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ચાર્જ સંભાળ્યા બાદ આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે સૌથી મોટી પ્રાથમિકતા રહેશે. ગુનાખોરી પર નિયંત્રણ, ટેક્નોલોજી આધારિત પોલીસિંગ અને ઝડપી તપાસ દ્વારા પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ત્રણેય જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે સંકલન વધારી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવશે. ઉપરાંત જનતા અને પોલીસ વચ્ચે વિશ્વાસ વધારવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવશે.

બનાસકાંઠા રેન્જ માટે પ્રથમવાર આઈજીની નિમણૂક થતાં પોલીસ તંત્રમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે પણ આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને સરહદી વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *