- કાતરવાના ખેડૂતે લેખિત ફરિયાદ આપતાં માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા તપાસના આદેશ અપાયા
ડીસા માર્કેટયાર્ડમાં વેપારી દ્વારા ખેડૂતની મગફળીની બોરી દીઠ પાંચથી સાત કીલો વજન ઓછું આપતાં ખેડૂતે માર્કેટયાર્ડમાં લેખિત રજૂઆત કરી હતી. આથી માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં આવેલ 334 નંબરની અંબિકા ટ્રેડર્સ નામની રાજુભાઇ મોદીની પેઢીમાં લાખણી તાલુકાના કાતરવા ગામના પરબતભાઈ લાલાભાઇ મકવાણા બુધવારે ટ્રેક્ટર ટ્રોલીમાં અંદાજીત 60 બોરી મગફળી ભરીને આવ્યા હતાં. પરંતુ વેચાણ બાદ માત્ર 48 બોરી જેટલું જ વજન ઉતરતાં ખેડૂતને શંકા ગઇ હતી.
આથી ખેડૂત પોતે ગામની દૂધ મંડળીમાં પોતાનું વજન કરાવતાં 64 કિલોગ્રામ થયું હતું. જ્યારે ગુરૂવારે પેઢીમાં આવી વેપારીના વજન કાંટા ઉપર વજન કરતાં 58 કિલો થયું હતું. આ ઉપરાંત ખેડૂત અન્ય વેપારીના ત્યાં વજન કરતાં 64 કિલો વજન થયું હતું. જેથી વેપારી દ્વારા ખેડૂતની બોરી દીઠ પાંચથી સાત કિલો મગફળીનું વજન ચોરી કરતાં ખેડૂતને ધ્યાને આવતાં ખેડૂતએ હોબાળો મચાવ્યો હતો.
આ અંગે ખેડૂત પરબતભાઇ મકવાણાએ ડીસા માર્કેટયાર્ડમાં વેપારી સામે ફરિયાદ આપી હતી. જેથી માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષી દ્વારા આ અંગે ન્યાયિક તપાસ કરવા તપાસ સોંપવામાં આવી છે. જ્યારે વેપારીને પૂછતાં તેઓએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
મીડિયા માર્કેટયાર્ડમાં પહોંચતા
ખેડૂત સાથે છેતરપિંડી થતાં મીડિયા માર્કેટયાર્ડમાં પહોંચતા વેપારી દ્વારા પુરાવાનો નાશ કરવા માટે વજન કરેલી બોરીઓ અચાનક જ જાતે ખાલી કરતો નજરે પડ્યો હતો. આથી વેપારી જ પુરાવાનો નાશ કરી રહ્યો હોવાનું ખેડૂત પરબતભાઈ મકવાણાએ જણાવ્યું હતું.